Trump Offers Iran 30 Billion For Civilian Nuclear Program: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ અમેરિકાની Trump સરકારે ઈરાન સાથે એક નવો કરાર કરવાની યોજના બનાવી છે. જેમાં ઈરાનને 30 અબજ ડોલર (રૂ. 2.57 લાખ કરોડ) સુધીની સહાયતા, પ્રતિબંધોમાં રાહત અને ફ્રીઝ કરેલા અબજો ડોલરની રકમ મુક્ત કરવાની રજૂઆત સામેલ છે.
હાલમાં જ અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરતાં તેના ત્રણ પરમાણુ મથક પર હુમલો કર્યો હતો. હવે યુદ્ધવિરામ બાદ તેણે ઈરાન સાથે પરમાણુ સમાધાન પર ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં ઈરાનને એક નોન એનરિચમેન્ટ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 30 અબજ ડોલર (રૂ. 2.57 લાખ કરોડ)ની સહાયતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ ફંડનો ઉપયોગ વીજ મશીનરી જેવા નાગરિક ઉર્જા ઉત્પાદન માટે થશે. ટ્રમ્પ સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ રકમ અમેરિકા દ્વારા આપવામાં નહીં આવે. પરંતુ તેના અરબ પાર્ટનર્સ (કતાર, યુએઈ, અને સાઉદી અરેબિયા) દ્વારા આપવામાં આવશે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, અમે આ બેઠકનું નેતૃત્વ કરવા તૈયાર છીએ. પરંતુ આ પ્રોજેક્ટમાં અમે ફંડિંગ નહીં આપીએ.
ઈરાન પર મૂકાયેલા પ્રતિબંધો દૂર કરાશે
પ્રસ્તાવમાં ઈરાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા અને વિદેશી બેન્કોમાં ફ્રીઝ કરવામાં આવેલી 6 અબજ ડોલરની રકમ મુક્ત કરવાની વાત સામેલ છે. આ રકમ 2023માં અમેરિકા-ઈરાન કેદી અદલા-બદલી કરાર હેઠળ કતારમાં જમા હતી. પરંતુ ઈરાન તેનો સ્વતંત્ર રૂપે ઉપયોગ કરી શકતું ન હતું. ઈરાને માગ કરી છે કે, તમામ પ્રતિબંધ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે. જેથી ક્રૂડ આધારિત અર્થવ્યવસ્થા પ્રભાવિત ન થાય.
અન્ય એક પ્રસ્તાવમાં અમેરિકાએ ભલામણ કરી છે કે, હાલમાં જ હુમલામાં ક્ષતિગ્રસ્ત બનેલી ફોર્ડો પરમાણુ સુવિધાને નોન-એનરિચમેન્ટ ન્યૂક્લિયર પ્લાન્ટ તરીકે પુનઃસ્થાપિત કરવા ચૂકવણી કરશે. આ સુવિધા ઈરાનમાં હશે કે નહીં તેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી
અમેરિકાએ શરત મૂકી છે કે, ઈરાને યુરેપિયન એનરિચમેન્ટ સંપૂર્ણપણે બંધ કરવુ પડશે. ટ્રમ્પ સરકારના ખાસ દૂત સ્ટીવ વિટકૉફે જણાવ્યું હતું કે, એનરિચમેન્ટ વિના ઈરાન એક નાગરિક પરમાણુ કાર્યક્રમ કેવી રીતે બનાવી શકે છે. હવે અમે ચર્ચા કરી રહ્યા છીએ। જ્યારે ઈરાન સતત દલીલ કરતું રહ્યું છે કે, તેની પાસે ન્યૂક્લિયર એનરિચમેન્ટનો અધિકાર હોવો જોઈએ. કારણકે, તે ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રિટી ધરાવે છે.